હેં ડેડી ? એ સાચું છે કે તેં મારા જન્મતા ની સાથે જ મારા નખ રંગ્યા'તા ?
રોટરી આંતર-રાષ્ટ્રીય પ્રાંત 3050 ના
એક પરિસંવાદમાં 'બેટી-બચાઓ' વિષય અંતર્ગત
'મારી પ્યારી બેટી' પર બોલવાનું થયું તે અહીં પ્રસ્તુત છે...
અમારે એક જ સંતાન - દીકરી રીની !
અને એના વિષે બોલવાનું એટલે જાણે ભાવતું ભોજન -
પણ દીકરી વિષે બોલવું કે લખવું એ તો કપરાં ચઢાણ છે -
દીકરીનું હજી સુધીનું જીવન એક ફિલ્મની જેમ તરવરે...
એના વિષે લખો તો એક કવિતા - એક અછાંદસ કવિતા –
એક વહેતું ઝરણું રચાઈ જાય તે સ્વાભાવિક છે.
લખતા રડવું આવે - વિદુલા કહે ત્યાં જઈને બોલશો કઈ રીતે?
પછી હામ ભીડી તો વળી બોલાયું...
હિયર ઈટ ઈઝ...
મારો વિષય છે - પ્યારી બેટી !
બેટી તો તમને નવી દુનિયામાં લઇ જાય છે
એમાં વાર નથી લગાડતી - જન્મ્યાની સાથે જ !
કોઈ સંત કે કોઈ શિક્ષક જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી
તમને નવી દુનિયામાં લઇ જઈ શકે
પણ દીકરીનું બીઈંગ એવું હોય કે
બસ એ જન્મે ને તમારા માટે નવી દુનિયા ખુલી જાય !
અમારું એકમાત્ર સંતાન - રીની –
થોડી મોટી થઇ ત્યારે મને પૂછે –
કે હેં ડેડી ? એ સાચું છે કે તેં મારા જન્મતા ની સાથે જ મારા નખ રંગ્યા'તા ?
(પ્યારી દીકરી હોય તે તુંકારે જ બોલાવે અને એ ખુબ વ્હાલું લાગે !)
મેં કહ્યું : હા બેટા.
પછી કહે : કેમ, એવું કઈ રીતે સુજ્યું ?
મેં કહ્યું : બસ એમ જ !
બેટા, કોઈ વિશ્વસુંદરી જન્મી હોય તેવું મને લાગ્યું !
એક વર્ષ ની થઈ એ પહેલા મેં તારો એક સ્કેચ દોર્યો હતો –
ત્યારે તું કોઈ અલૌકિક પુષ્પ જેવી લગતી હતી !
અને તું હસતી ત્યારે વિશ્વ માં જાણે હવે કોઈ નારાજ નથી એવું
લાગતું અને આજે ય લાગે છે !
વ્હાલ ને કઈ તેડા ન હોય,
એને આમત્રણ ન હોય.
અને દીકરીનું વ્હાલ તો અફાટ સમુદ્ર સમાન છે –
એનું કઈ માપ ન હોય એનું કોઈ વર્ણન ન હોય. . .
દીકરી એ તો સ્વયંભૂ છે અને સ્વયં સિદ્ધા છે અને
દીકરીનું વ્હાલ એ કાલજયી છે !
એનો પ્રેમ ઈટર્નલ છે !
દીકરી હોય તેને અને ન હોય તેને - બંનેને દીકરી પ્રત્યે વ્હાલ ઉપજે છે !
તેને જોઇને તમારાથી સ્માઈલ કર્યા વગર રહી શકાય જ નહીં !
એક સરદારજી ને કોઈ આવીને કહે કે :
સંતા સિંગ તુમ્હારી બેટી કો કોઈ ભગા કે લે જા રહા હૈ .....
સરદારજી એ તો કંઈ જોયા વગર એને પકડવા માટે પોતાના ફ્લેટની બારીમાંથી કુદકો માર્યો. પછી યાદ આવ્યું કે આ તો ચોથો માળ છે !
પડતા પડતા ત્રીજો માળ આવ્યો ત્યારે એને યાદ આવ્યું કે યાર, આપણે તો દીકરી જ નથી.
બીજો માળ આવ્યો કે યાદ આવ્યું કે હું પરણેલો જ ક્યાં છું ?
અને પહેલો માળ આવ્યો ત્યારે કહે : યાર, અને મારું નામ સંતા સિંગ ક્યાં છે ?
પણ તમે જોયું ?
દીકરીનું નામ પડે કે માણસો એના માટે કંઈ પણ કરવા તૈયાર થઇ જાય !
કે તમારા હજી લગ્ન ન થયા હોય ત્યારે પણ
બેટી ને કોઈ લઇ જાય એ ખ્યાલ માત્ર તમને વિચલિત કરી દે છે !
રીની નાની હતી અને અમારે ત્યાં મારો મિત્ર નટુ મારા કલીનીક પર આવ્યો –
રીની પણ ત્યાં હતી –
હું અને વિદુલા અમારી કાર માં ઘરે પહોંચ્યા અને
રીની નટુ અંકલ સાથે બાઈક પર આવી –
નટુ એટલો ખુશ થઇ ગયો - એ હસતો હતો –
મેં પૂછ્યું શું થયું ?
તો કહે કે રસ્તામાં દેરાસર આવ્યું ને
મેં રીની ને પૂછ્યું કે તું આ મંદિરે જાય છે ?
એટલે એ કહે હા.
પછી નટુ કહે મેં પૂછ્યું કે ભગવાન પાસે તે શું માગ્યું ?
રીની આપમેળે કહે - તાકાત અને બુદ્ધિ.
પછી નટુ અંકલે પૂછ્યું કે આમાંથી તારામાં કઈ આવ્યું કે નહીં ?
તો ૫ વર્ષની રીની કહે - હા તાકાત આવી છે – બુદ્ધિ હજી આવવાની બાકી છે !
કેવો સહજ, પારદર્શક અને નિર્દોષ જવાબ !
તમે નડો નહીં ને તો બાળકો આપોઆપ ખીલી ઉઠે છે.
તેઓને ફ્રીડમ એક્ષ્પિરિયંસ થાય એટલે સોળે કળાએ તેમની પ્રતિભા ઝળકે જ !
આ ઘટના રીની જયારે આઠેક વર્ષ ની હશે ત્યારની છે –
મને એમ કે મને બધી સમજ પડે અને
મારે રીની ને પોઝીટીવ એટીટ્યુડ શીખવવું જોઈએ –
મેં તો વળી પાણી નો ગ્લાસ મંગાવ્યો
અને અડધો ગ્લાસ પાણી પી ગયો.
ટેબલ પર મૂકી ને મેં રીનીને પૂછ્યું કે
બેટા જો આ દુનિયા ને આપણે જે રીતે લઈએ એ રીતે એ આપની સમક્ષ રજુ થાય છે
જેમકે આ ગ્લાસને જોઈ અમુક લોકો અડધો ભરેલો અને અમુક લોકો અડધો ખાલી છે
એમ કહેશે !
બેટા તને શું લાગે છે ?
તો કૈક જુદો જ જવાબ
"ડેડી - ધીસ ગ્લાસ ઇસ ફૂલ - હાફ વિથ વોટર એન્ડ હાફ વિથ એર !"
ત્યારે મને લાગ્યું કે આપણે ભણ્યા એ બધું નકામું !
ત્યારે મને લાગ્યું કે ઈદમ તૃતીયમ !
ત્યારે મને એ એક ફૂલ નહીં, ફળ નહીં, પણ આખો ય આંબો દેખાયો અને
જેમ યશોદા માતા ને કૃષ્ણના મુખમાં બ્રહ્માંડ દેખાયું એવો ભાસ થયો !
ઈટ એક્ચ્યુઅલી વોઝ એ સિગ્નલ ઓફ થિંગ્સ ટુ કમ !
એ નાની થી મોટી થઇ ત્યાર સુધીની તમામ ક્ષણો તાદૃશ્ય છે -
એ ભાખોડિયા ચાલી, કે એ પાપા પગલી થઇ
'એ ચાલી' 'એ ચાલી'
એ બધું નજર સમક્ષ –
એ પહેલા 'મામા' બોલી કે 'પાપા' બોલી
એ હજુ અમારા વચ્ચે વિવાદનો વિષય છે –
ત્યાંથી માંડીને કવિતાઓ બોલે તે બધું યાદ.
રીનીના જન્મ પહેલા અમે કોઈને ત્યાં જઈએ
અને કોઈ પેરેન્ટ એના નાના બાળક ને બોલાવી
નર્સરી રાઈમ બોલાવડાવે ત્યારે ત્રાસ થતો
અને એજ અમે લોકો રીની આવી પછી એટલા જ ઉત્સાહ સાથે
'ટ્વિન્કલ ટ્વિન્કલ લીટલ સ્ટાર્સ' વગેરે ગવડાવતા એ હજુ એ યાદ છે !
એનું સાઈકલ ચલાવવાનું, એનું સ્કુટર ચલાવવાનું કે
પછી કાર ચલાવતા શીખવાનું –
બધું નજર સામે તરવરે છે !
કાર શીખી ત્યારે એક દિવસ ઘરની બહાર વિદુલાની કાર ગુમ –
પછી રીનીનો ફોન આવ્યો કે
મોમ, હું તારી કાર લઈને મારી બહેનપણીના ઘરે પહોચી ગઈ છું !
એની સ્કુલમાં ડીબેટ જીતીને આવી –
ટ્રોફી લઈને અમને ગર્વભેર બતાવી એ યાદ છે.
ઘરે એકલી હોય અમારા બંનેની રાહ જોતી જોતી
એ શું કરતી હશે અમને ખબર નહીં.
એક વાર અમે થાકી ને ઘરે આવ્યા –
અમને રીની કહે કે મારે તમને કઈ બતાવવું છે –
અમે કહ્યું કે પછી, અત્યારે થાક્યા છીએ –
પણ શી પર્સીસટેડ.
અમે સામે ગોઠવાયા –
રીનીએ માધુરી દિક્ષિત નો એક અદભુત ડાન્સ રજુ કર્યો –
અમે છક થઇ ગયા –
એ કથક ની મુદ્રાઓ,
એ હાવ ભાવ,
એ ફીનીશીંગ –
અમે અવાક –
તરત પૂછ્યું કે સ્કુલમાં શીખવ્યું ?
એ કહે ના ના, આ તો તમે આવો ત્યાં સુધી
દરરોજ ટીવીમાંથી જોઈ જોઇને શીખી લીધું !
માય ગોડ !
એ દ્રશ્ય આજે પણ કઈ રીતે ભૂલાય કે અમારા ઘરમાં
'એ ડાન્સર વોઝ ગ્રોઈંગ લાઈક એ વાઇલ્ડ ફ્લાવર ! '
વી વર અમેઝ્ડ કે એ એકલતા ને એકલવ્યતામાં કન્વર્ટ કરી રહી હતી !
નવરાત્રીના દિવસો આવે એટલે એની ફ્રેન્ડ્સથી ઘર ઉભરાય
અને ડઝનબંધ ચણીયા–ચોલીથી ફ્લોર ભરાઈ જાય –
તું આ પહેરજે અને તું આ પહેરજે –
એ દિવસોમાં અમારું ઘર ઉત્સવના ઓવારણા લે અને ધમાલ ધમાલ ચાલે –
અમને અમારા દિવસો યાદ આવે –
એને જોઇને મન ભરાઈ આવે -
એની એડીસી(અમદાવાદ ડેન્ટલ કોલેજ) માં 'મિસ એડીસી' બની –
ઓલ ગુજરાત બેસ્ટ ડાન્સર-કોરિયોગ્રાફર બની અને
ખુબ ઉત્સાહ થી એની ટ્રોફીઝ બતાવે –
કહે : ડેડી, એક દિવસ તારાથી વધારે ટ્રોફીઝ મારી હશે, તું જોજે !
અને રીની, એ દિવસ હવે બહુ દૂર નથી !
પરીક્ષા આવે ત્યારે પાછી એટલી જ સિન્સિયર !
ફાઈનલ બીડીએસમાં યુનિવર્સીટીમાં ૪ ગોલ્ડ મેડલ્સ જીતી
અને અમે એના કોન્વોકેશન માં ગયા તે અવિસ્મરણીય છે.
વિદુલાને એલએલબીમાં ૯ ગોલ્ડ મેડલ્સ મળ્યા
તે અમારી દીકરીને આભારી છે તે સૌ જાણે છે –
પરીક્ષાના દિવસોમાં રીની ભણતા ભણતા ઝોકા ખાય
તો વિદુલા એને વઢે
એટલે રીની એક વાર કહે કે મોમ, તું સાથે વાંચવા બેસે તો સાચ્ચી –
વિદુલા તો ફિલ્મફેયર અને ફેમિના વગેરે લઇ વાંચવા બેઠી –
રીની કહે આવું નહીં –
જેમાં એગ્ઝામ આપવી પડે એવું કૈક કર –
વિદુલાએ લો કર્યું –
રીની ને સાથ આપવા માત્ર થી તૈયારી કરી અને
ફાઈનલ એલએલબીમાં ૯ ગોલ્ડ મેડલ્સ મેળવ્યા
અને રીનીને ડેડીકેટ કર્યા –
કે બેટા, તે ન કીધું હોત તો મેં આ ઉપાડો ન લીધો હોત
અને આ મેડલ્સ ન મળ્યા હોત –
દીકરી, તારો આભાર !!
આજે એ જ દીકરી - વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સીટી –
ન્યુયોર્ક યુનિવર્સીટી માં ભણે છે
તેના પ્રોફેસરોની ફેવરેટ સ્ટુડન્ટ છે -
ફોન પર અમારી સાથે રોજ વાત ન કરે તો અમારો દિવસ ન ઉગે એવા હાલ છે !
એણે એપ્લાય કર્યું ત્યારે ન્યુયોર્ક યુનિવર્સીટીના એક મિત્ર પ્રોફેસરે જયારે એમ કહ્યું
કે અમારી યુનિવર્સીટી માં એડમીશન ન મળે - ભૂલી જાવ –
ત્યારે રીની રડી પડી હતી
અને એના પાંચ દિવસે જયારે ત્યાંથી એડમીશન નો પત્ર આવ્યો
ત્યારે ખુશ ખુશ થઇ ગઈ હતી એ યાદ છે –
હમણા બોસ્ટન યુનિવર્સીટીના ઇન્ટરવ્યૂમાં
એક ટફ ઇન્ડિયન લેડીએ એનો ઇન્ટરવ્યૂ લીધો –
ઇન્ટરવ્યૂ લાંબો ચાલ્યો -
બહાર રાહ જોતા એના બધા મિત્રોએ તો માની જ લીધેલું
કે રીની ગઈ -
હવે 'ઉસ કા બેન્ડ બજ ગયા હોગા'
પણ ઇન્ટરવ્યૂ બાદ એ ટફ ઇન્ડિયન લેડી એને ભેટી ને કહે
'આઈ એમ પ્રાઉડ ટુ હેવ ઇન્ટરવ્યૂડ એ પર્સન લાઈક યુ !'
અને જાણે અમારો જન્મારો સફળ થઇ ગયો હોય એવું લાગ્યું.
રીની, પ્યારી બેટી - વ્હાલી બેટી - સૌને ત્યાં હોય તેવી જ બેટી છે –
એ સરળ છે, સહજ છે અને સૌની સાથે જલ્દી ભળી જાય છે !
શી ઈઝ લવિંગ, શેરીંગ એન્ડ કેરીંગ !
દાદી, નાની અને માસીની ફેવરેટ !
કઝીન્સ સાથે સખ્ખત ફાવે !
મેં તો એવું જોયું અને અનુભવ્યું છે કે શી ઈઝ અ ગિવર લાઈક હર મધર !
શી ઈઝ કમ્ફર્ટેબલ વિથ સ્ટ્રેન્જર્સ, વિથ ફ્રેન્ડસ એન્ડ વિથ હર-સેલ્ફ !
તેણે અનેક વાર અમને હસાવ્યા છે - એની અનુપસ્થિતિ એ રડાવ્યા પણ છે –
દીકરી તો જ્યાં જાય ત્યાં સુવાસ ફેલાવે –
પણ અત્યારે અમને અમારી પ્યારી બેટી ખુબ મિસ થાય છે –
એને સ્કાઇપ પર જોઈએ - વાતો કરીએ –
એ ખિલખિલાટ હસે અને અમારો દિવસ સુધરી જાય –
એ બધું મજાનું છે
પણ .....
ધેર ઈઝ નો ઓલ્ટરનેટીવ ટુ
સીઈંગ હર ફેસ ટુ ફેસ,
શેકિંગ હેન્ડ્સ વિથ હર એન્ડ
ગિવીંગ હર એ ટાઈટ હગ !
વર્ષો પહેલા….
અમે ઇંગ્લેન્ડ ગયા ત્યારે વિદુલાની ખુબ ઈચ્છા કે
રીની ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જુવે
અને પસંદ કરી શકે કે
ઇન્ટરનેશનલ એજ્યુકેશન કેટલું મહત્વનું છે !
અમારી સાથે રીનીએ આઠેક દેશોનો પ્રવાસ પણ કર્યો છે.
વિદુલા કહે કે બેટા, ઇન્દિરા ગાંધી અહીં ઓક્સફર્ડમાં ભણ્યા હતા !
રીનીનો જન્મ ૧૯ નવેમ્બરના થયો હતો
એનામાં ઇન્દિરા ગાંધીની બાહોશી,
ઝાંસીની રાણીની બહાદુરી અને
સુષ્મિતા સેનની બ્યુટી જેવા
ગુણોનો સમન્વય થયો છે
કદાચ એટલે કે આ ત્રણેય પણ ૧૯ નવેમ્બરના જ જન્મ્યા હતા !
આમ અમારી દીકરીના જીવનની તથા અમારા પ્રસંગોની વાતો કરી
એમાં મારે તો એટલું જ કહેવાનું કે
દીકરી તો માબાપનો જીવ છે –
'સીદીબાઈને સિદ્કું વ્હાલું ! '
એ રુએ રીની કરે એ બધું અમને ગમે એવું બન્યું હશે.
પણ મોરારી બાપુના શબ્દોમાં :
પુત્ર એ પિતાનું રૂપ છે તો પુત્રી એ પિતાનું સ્વરૂપ છે !
પુત્ર એ બાપનો હાથ છે તો પુત્રી એ બાપનું હાર્ટ છે
હૈયું છે !
અને એટલે જ તો બાપ જયારે કન્યાદાન આપતો હોય
ત્યારે એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે,
પરંતુ વાસ્તવમાં એ પોતાનું હૈયું આપતો હોય છે !
ચંદ્રકાંત બક્ષી કહે છે કે
જે પતિ–પત્નીને સંતાનમાં એક પુત્રી જ છે
એ પિતા પિતૃત્વની ચરમ ઊંચાઈને સ્પર્શી જતા હોય છે.
પુત્રી અને એક જ પુત્રી, ગયા ભવમાં પુણ્ય કર્યા હોય
એને જ આ ભવમાં મળે છે !
ગુણવંત શાહ કહે છે કે
બિરલા, તાતા, અંબાણી, ફોર્ડ કે રોકફેલર
ગમે તેટલા ધનાઢ્ય હોય
એમના પરિવારમાં એક દીકરી ન હોય
તો એ દયનીય માલદાર જ કહેવાય !
કવિ અનિલ જોશી કહે છે કે
આપણે કાંકરાને સ્પર્શીયે તો એ કાંકરા જ રહેશે
પણ જો દીકરી એને સ્પર્શશે તો કાંકરા પાંચીકા બની જશે !
વિશ્વામિત્ર અને મેનકાની શકુંતલા હોય
કે નેહરુની પ્રિયદર્શીની ઇન્દિરા,
કે પછી મારી તમારી દીકરીઓ –
એક સત્ય તો નિત્ય છે જ કે
દીકરી વ્હાલ નો દરિયો જ હોય છે
અને
એ મોટી થાય અને પરણીને ઘર છોડવાનો વખત આવે
ત્યારે પિતા માટે સૌથી કપરું કામ હશે એવું લાગે છે !
હજી રીની તો અમેરિકા ભણવા ગઈ છે
અને આંખ રોજ ભીની થઇ જાય છે
તો એ પરણીને સાસરે જશે ત્યારે શું થશે ?
એ વિચાર કંપાવી મુકે છે !
કવિ દુલા ભાયા કાગે રચેલું
'કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો'
અને સહગલ સાહેબે ગાયેલું 'બાબુલ મોરા'
કે રફી સાહેબ નું 'બાબુલ કી દુઆએં લેતી જા, જા તુઝકો સુખી સંસાર મિલે'
આ બધું થોડા સમયમાં આંખ સામે રીયલ બની જશે
એ વિચારથી આંખ ભીની થઈ જાય છે.
મને લાગે છે કે
પિતાનો બે વાર જન્મ થાય છે
એક વાર તો જયારે એ જન્મે છે ત્યારે
અને એના પછી એક વાર જયારે
એને ત્યાં વ્હાલસોયી પુત્રીનો જન્મ થાય છે !
અને
પિતાનું મૃત્યુ પણ બે વાર થાય છે
એક વાર તો જયારે એ મૃત્યુ પામે છે ત્યારે
અને એની પહેલા એક વાર જયારે
એ પોતાની વ્હાલસોયી પુત્રીને વળાવે છે !
દીકરી સાસરે જાય ત્યારે દુખ તો થાય પણ એ એક નવો સંસાર -
એક નવી દુનિયા રચવા જઈ રહી છે એનો આનંદ પણ થાય !
રાજેશ ખન્ના એક ફિલ્મ માં પોતાની હિરોઈન સાથે વાત કરતા પૂછે છે કે
આપણે પરણીશું પછી આપણે દીકરો જોઈએ કે દીકરી ?
હિરોઈન કહે છે કે દીકરો ?
રાજેશ ખન્ના એની આગવી અદામાં કહે છે કે ના, દીકરી જ !
કારણ કે દીકરો હશે તો કહેશે કે
બાપુ, પૈસે લાઓ મુઝે મૂંગફલી ખાની હૈ
અને દીકરી હશે તો કહેશે કે બાપુ મૈને આપ કે લિયે પુરણ-પોલી બનાઈ હૈ !
રીનીને લઈને એક શોર્ટ ફિલ્મ બની હતી એમાં એનો એક ડાયલોગ હજી યાદ છે કે :
"હું દીકરી છું એટલે મારે સ્વપ્ન નહીં જોવાના?"
કેટલો અર્થપૂર્ણ ડાયલોગ છે આ ?
અને એ જ રીની આજે સ્વપ્નો જુવે છે અને
પોતાના આત્મબળથી સાકાર પણ કરે છે !
આમ પુત્રી સૌને વ્હાલી હોય છે –
એ જીગરનો ટુકડો છે, કાળજાનો કટકો છે, અને પિતાનો જીવ છે !
મેં તો વળી - જેમ ઘરનો ડાયરો હોય ને પેટ છુટ્ટી વાતો કરવા બેઠા હોઈ એમ બધુંય કીધું !
છેલ્લે ગુણવંત શાહ ના શબ્દોથી સમાપન કરું છું કે
"કોઈ મોગરાની મહેક
ગુલાબની ભવ્યતા
અને પારિજાતની દિવ્યતા
જ્યારે કોઈ ઝાકળ બિંદુમાં ભળે
ત્યારે પરિવાર ને દીકરી પ્રાપ્ત થાય છે"
કેટલાય પરિવારો પુત્રીની નાની-મોટી ઉપેક્ષા કરે છે
ત્યારે એમ લાગે છે કે આપને હજીયે ઘણા પછાત છીએ.
રીની દિલથી ઋજુ છે છતાં કોઈ પણ સિચ્યુએશન સ્વસ્થતાથી ફેસ કરી શકે.
મારી પત્ની વિદુલા એ અમારા બંનેની મોમ છે !
રીની અમેરિકા ગઈ ત્યારથી એને 'રીની, રીની' થઇ ગયું છે.
એ શું કરતી હશે, બરાબર જમતી હશે કે નહીં, એ બરાબર સચવાતી હશે કે કેમ,
એવા બધા પ્રશ્નો સાથે એ રીની વગર ઝૂરતી હોય છે.
એ વાતનો કોઈ ઈલાજ નથી.
રીની માટે હવે 'બ્રીન્ગીંગ અપ મોમ' જેવા હાલ છે.
એ રોજ મોમ ને સમજાવે છે કે હું મજામાં છું અને મારા સ્વપ્નો સાકાર થઇ રહ્યા છે તો પણ...
અને મે મહિનામાં મળવાના છીએ ત્યારે ધુબાકા નાખીશું ને જલસા કરીશું !
નાનકડી હતી ત્યારે રીની માટે એક જોડકણા જેવું ગીત લખ્યું હતું :
"ખુશખુશાલ છે અમારી રિન્ની !
બેમિસાલ છે અમારી રિન્ની !
માલામાલ છે અમારી રિન્ની !
શું કમાલ છે અમારી રિન્ની !
કેવા હાલ છે અમારી રિન્ની !
ખુશખુશાલ છે અમારી રિન્ની !"
સૌને ત્યાં રીની સમાન એક સુંદર ફૂલ ખીલે અને
સૌના ઘરો એવી સુવાસથી મઘમઘે તેવી અંતરથી દુવા માંગું છું !
વી લવ યુ રીની !
એન્ડ ધ યુનિવર્સ લવ્સ યુ વિથ ઓપન આર્મ્સ !
એન્ડ રીમેમ્બર –
યુ હેવ અ મિશન ઓફ સ્પ્રેડીંગ યોર લવ થ્રુ યોર વર્ક એન્ડ ડ્રીમ્સ !
ગોડ બ્લેસ યુ !
-dr mukesh bavishi
***DIL SE DESI GROUP***
You can join the group by clicking the below link or by copying and pasting it in the browser bar and then pressing 'Enter'.
http://groups.yahoo.com/group/dilsedesigroup/join/
OWNER : rajeshkainth003@gmail.com (Rajesh Kainth}
MODERATOR : sunil_ki_mail-dilsedesi@yahoo.co.in (Sunil Sharma)
MODERATOR : dollyricky@gmail.com (Dolly Shah)
MODERATOR : boyforindia@gmail.com (Mr. Gupta)
To modify your list subscription, please send a blank email to:
SUBSCRIBE : dilsedesigroup-subscribe@yahoogroups.com
UNSUBSCRIBE : dilsedesigroup-unsubscribe@yahoogroups.com
INDIVIDUAL MAILS : dilsedesigroup-normal@yahoogroups.com
DAILY DIGEST : dilsedesigroup-digest@yahoogroups.com
VACATION HOLD : dilsedesigroup-nomail@yahoogroups.com
FOR POSTING MESSAGES : dilsedesigroup@yahoogroups.com
No comments:
Post a Comment